પારો
પારો (અંગ્રેજી:Mercury) એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Hg અને અણુ ક્રમાંક ૮૦ છે આ એક સંક્રાંતિ ધાતુ છે. આ ધાતુ હોવા છતાં પ્રવાહી સ્વરુપમાં જ હોય છે. પારાની ઘનતા કોઇપણ પ્રવાહી કરતાં વધારે હોય છે. એક ઘન સે. મી. પાણીનું વજન ૧ ગ્રામ હોય છે, જ્યારે એક ઘન સે. મી. પારાનું વજન લગભગ ૧૩ થી ૧૪ ગ્રામ થાય છે. પ્રવાહી હોવા છતાં તેનાથી કોઇ વસ્તુ પલળતી નથી. પારો જમીનમાંથી મરક્યુરી સલ્ફાઇડના ગાંગડા સ્વરુપે મળતું એક ખનીજ છે. આ મરક્યુરી સલ્ફાઇડ પર રાસાયણિક પ્રક્રિયા કરી ચાંદી જેવા રંગનું પારાનું પ્રવાહી મેળવવામાં આવે છે. થર્મોમીટરની ટ્યુબમાં ઉષ્ણતામાનનો આંક બતાવતી રૂપેરી રંગની લીટી હોય છે, જે પારો જ હોય છે. આ ઉપરાંત આપણા ઘરમાં વપરાતી ટ્યુબલાઇટમાં પારાની વરાળ ભરવામાં આવે છે. દિવાળીમાં ફટાકડામાં સાપોલિયાની ગોળી હોય છે, તે પણ પારામાંથી જ બનાવવામાં આવે છે. આ ઉપરાંત પણ ઘણા ઉદ્યોગોમાં આ ધાતુનો વપરાશ થાય છે. આ ઝેરી ધાતુ છે.